’વ્યક્તિના મૃત્યુ બાદ 10 વર્ષ સુધી કોઈ ઈમારત કે રસ્તાને એનું નામ ન આપવું જોઈએ !’
હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા; તેમજ તેમના કપડાં ઉપર 2002ના કોમી રમખાણોમાં ડાઘાઓ પડી ગયા હતા; તેને દૂર કરવાના આશય સાથે પત્રકાર/લેખક એમ.વી.કામથ અને લેખિકા કાલિન્દી રાંદેરીએ સંયુક્ત રીતે 2009માં પુસ્તક લખ્યું હતું : ‘આધુનિક ગુજરાતના શિલ્પી’ આ પુસ્તકના પેજ-279 ઉપર વિખ્યાત કવિ સુરેશ દલાલ કહે છે : “એ (CM) હ્રદયમાંથી બોલે છે તેથી એ જે કંઈ કહે એના પર એમને ભરોસો હોય છે. એ માયાળુ છે, સહજ છે અને એમની સારપમાં કોઈ પણ ઢોંગ નથી.” પેજ-282 ઉપર પ્રસિધ્ધ લેખક ગુણવંત શાહ કહે છે : “તેની (CM) પાસે દ્રઢ મનોબળ હતું; તેની સાથે વિચારની જબરી સ્પષ્ટતા હતી.”
પેજ-90 ઉપર જણાવ્યું છે કે ભારતના 55મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દિલ્હીમાં ‘મારા સ્વપ્નનું ભારત’ એ વિષય ઉપર વાતચીત કરવા; sifyએ પાર્ટીના મહામંત્રી તરીકે તેમને (CMને) આમંત્રણ આપેલ. ત્યારે તેમણે અર્થપૂર્ણ મુદ્દાઓ ઊઠાવ્યા હતા. તેમાં એક ‘અર્થપૂર્ણ મુદ્દો’ આ હતો : “હું એવું સૂચન કરવા માગું છું કે એવો નિયમ હોવો જોઈએ કે વ્યક્તિના મૃત્યુ બાદ 10 વર્ષ સુધી કોઈ ઈમારત કે રસ્તાને એનું નામ ન આપવું જોઈએ !”
24 ફેબ્રુઆરી 2021 ના રોજ; આપણા વડાપ્રધાને તો પોતાની હયાતીમાં જ અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને પોતાનું નામ રાષ્ટ્રપતિ દ્વારા આપી દીધું ! કથની અને કરણીમાં કેટલો વિરોધાભાસ? વડાપ્રધાને; લેખક ગુણવંત શાહને ખોટા પાડ્યા કેમકે પોતાની પાસે વિચારની જબરી સ્પષ્ટતાનો અભાવ છે; તે પુરવાર કર્યું ! વડાપ્રધાને; કવિ સુરેશ દલાલને ખોટા પાડ્યા કેમકે પોતે હ્રદયમાંથી બોલતા નથી, અને પોતાની સારપમાં ઢોંગ છે, તેની સાબિતી આપી !
-રમેશ સવાણી
Post a Comment